Saturday, April 4, 2015

કવિતાકામ



સું ધમાધમ કરો છો?
તો કે’
કવિતા કરીય સીય.
...ઓ..હો...
અચંબાથી
અમારી આંશો થાય સ્હેજ પહોળી
બોલી પડઅ :
ખરું કરો સો, તમે તો !
આંય અમનં  કશી આધાબાધા નહી
ન તમે કાંક
હાડોહાડ વાત કરવા વળજ્યાં સો
અમારી  ,
માંણસની!
ચોમેરથી પીસૈન
સેપટ થઇ જિયેલા
દિન-દુખિયારા
રાંક માણસના તમે ખરા વાલેશરી બન્યા સો , કાંક !!
અમારી વાતે દુઃખણા
તમે પોટલો પાણીએ રોઈ પડો  સો
તાણઅ  
તમારાં આંહુડા લૂહવાનું
અમનઅ બૌ મન થઇ આવઅ સ , ભાઈસા’બ
પણ  
તમે રયા કવિ !
કાંક વાતે વચક્લું પાડી બેહો
એટલે
અમે બીયાતા બીયાતા
તમારી ભલઈનાં ગુણગાન ગઈય સીય.
ન તમેય
લગીરે મોટઈ દાખવ્યા વના
હાવ અજાણ્યા થઈન
પાછા હાંમું અચરજ ઉલાળો સો :
...ઈ..મ ..સ?
વડા ન તે કાંય વકાર હોતા અસે?
અદકું માંણસ તે કુનઅ કીધું હોય!
એવુબેવું અમે બોલવામાં જ હોઈંય
નતમે મર્માળું હસી પાડો.
નાકની દાંડીયે ચશ્માં ચડાવતા
અમારી આંશો મ
ઠેઠ ઊંડાણે
તાકી ન તીર મારો;
અમે બોલ્યા ન તમે હાચેહાચ માની લીધું?
અમે હેંડયા ઈ ન પરભારું પરમાંણી લીધું!?
ભલો તમારો ભારુહો,
ધન સ તમારું આચાંન , મારા ભઈ કરું...!
પણ હાચું કઉ?
તમારી ન
અમારી નિસબત તો
આ બે અક્ષર પાડીય સીય, બસ એટલી જ.
બઉ કરીય તો
એ બાંને અમારા જેવા ,
એવાબેવા ભેગા થઇ ન આવા હડમાલા  કૂટી ય , એ...
બાકી હમજો ન,
એ...ય
આંય ટાઢા છાંયે
ગામ છેવાડાનું ઝાડવું ઝંઝેડીય સીય
ગેરવી લઇય સીય
કાલી કાલી કવિતાયો...

૫.૦૯.૨૦૦૩

નડતર

હું આમ
ગામ છેવાડાનો માણસ
એટલેગામનું નડતર તો મારે દૂરનું રહ્યું.
પણ
રોજ
મારા ખૂંખામાં ખૂંચ્યા કરે છે
મારો વ્હાલો સગલો, ભાઈ!
એ જ મને બાળે છે,ઝાળે છે,
ફૂટે છે, લૂંટે છે
ને દોષનો ટોપલો ઢોળ્યા કરે છે
પરંપરાઓ પર.

૪.૦૮.૨૦૦૨

હિંસ્રતા

હજી
ગઈકાલ મેં કાપ્યા હશે નાખ.
એટલે આ હાથ લાગે કેટલા સોહામણા
ને સભ્યતાથી તરબતર !
પણ અચાનક
આજ શી માલમ
ભુરાટું થઇ ગયું વાતાવરણ,
એક પલમાં તો
ગલી મારી બની ઉન્માદની લપકારતી   જ્વાળા.
મુલાયમ ટેરવાં પર ન્હોર કાતિલ
એકધારા એમ વધતા જાય,
વ...ધ...તા... જાય!
મનમાં થાય
કેનાં હોય આવા હાથ મારા !
ટેરવાં પણ કોણ જાણે
ન્હોર પંજામાં દબાવીને
સરકતાં-
એમ સિફતથી સરકતાં જાય ટોળામાં
મને મૂકી અહીં વિમાસ્તો-
જોયા કરું,
જાને મને ખોયા કરું...

૧૦.૦૩.૨૦૦૨

આંગળીઓ

વારંવાર બેધ્યાન કરતા
વિક્ષેપને ટાળવા
એકલવ્યે
ખીચોખીચ બાણવર્ષણથી
ચૂપ કરી દીધું ભસતા કૂતરાનું મુખ.
એમાં
ભોગ લેવાયો અંગૂઠાનો,
દક્ષિણારૂપે.
આવી જ કથાઓનાં
પ્રકારાંતરે પ્રગટતાં રૂપોની ચીસો,
શોરબકોર અને ચિત્કાર
હું પથારીએ પડ્યો સાંભળું છું
ને
મનોમન કણસી ઊઠું છું.
ધૂંધવાઈ જઈને
વીંઝ્યા કરું છું ખાલી હાથ, હવામાં.
પ્રદુષ્ટ હવા
પડઘા પાડી પાડીને બતાવે છે ટીકો.
અમારા છતાં ભલા હાથ ,
તોય જુઓને !
ડિંગો તો હમેશાં તેઓ જ બતાવે છે અમને
તેઓ જાણે છે
અંગૂઠા વિનાના અમારા હાથની નિરર્થકતા.
એટલે જ
અંગૂઠાનો વસવસો ત્યજીને
હવે
અમારા તરફ વળેલી
અમારી અર્ધ ચંદ્રાકાર આંગળીઓને
અમે શીખવી રહ્યા છીએ
અંગૂઠાનું કૌશલ...

૧૫.૦૮.૨૦૦૦

અંધકાર


ક્રાંતિને


તું
નીચી નમીને
મારા કાનમાં કહે છે: ‘ચાલ...’
ત્યારે મારા પગમાં
‘ચાલવું...’ ‘ચાલવું...’
થનગની ઊઠે છે.
તું
જેટલીવાર આવું બોલે છે
એટલીવાર
આમ જ બને છે.
મારા પાવલાંમાં
જાણે અંકુરાવા માંડે છે કૂંપળો.
ને પલકારામાં
હું ઘેઘૂરાઈ જાઉં છું આખ્ખે આખ્ખો .
આકાંક્ષાઓથી ભર્યોભાદર્યો જાણે
લચી પડું છું નીચે!
પણ બરાબર
એ વખતે જ
ખસી જાય છે
મારી ઉપર તરફ મંડાયેલી નજર.
તું ફરી મારા કાનમાં છણકાય છે:
‘ચાલને?’
ને-
ચાલવા માટે
ધરતી પરથી
ઊંચકાવા મથતા મારા  પગને
હું
જાણે
આતુરતાપૂર્વક જોયા કરું છું...


૨૬.૦૧.૨૦૦૦

સમતા ઘર




મુઠ્ઠી રાઈ શોધતી
કીશા ગૌતમીની જેમ
હું આથડું છું
સાવ કંતાઈ ગયેલાં

ભૂખડી બારસ જેવા
ગંદાગોબરાં છેવાડાનાં ઘર .
ઉત્કંઠાથી
ખખડાવું હું સાંકળ,
ને તરત
કમાડીયાંનાં કીચૂડાટ સાથે
ધસી આવે છે બહાર
દુખણી જરોજથા
અને
જીવતરના લોહીઉકાળાનો રુંગારાવ.
ખૂંપી જાય છે એ
જોરુકો
મારા કર્ણરંધ્રમાં, ઊંડે.
હવે
કાન પાકી ગયા છે,
પગ થાકી ગયા છે;
કૃશ થયેલું શરીર
કંપ્યા કરે છે એકધારું
ને
મારે હજી શોધવાનું છે એવું ઘર
જેના પર
માનવ આસુરીનો
તસુ જેટલોય
પડછાયો ના પડ્યો હોય !!!

૩.૦૧.૨૦૦૦