Saturday, April 4, 2015

હિંસ્રતા

હજી
ગઈકાલ મેં કાપ્યા હશે નાખ.
એટલે આ હાથ લાગે કેટલા સોહામણા
ને સભ્યતાથી તરબતર !
પણ અચાનક
આજ શી માલમ
ભુરાટું થઇ ગયું વાતાવરણ,
એક પલમાં તો
ગલી મારી બની ઉન્માદની લપકારતી   જ્વાળા.
મુલાયમ ટેરવાં પર ન્હોર કાતિલ
એકધારા એમ વધતા જાય,
વ...ધ...તા... જાય!
મનમાં થાય
કેનાં હોય આવા હાથ મારા !
ટેરવાં પણ કોણ જાણે
ન્હોર પંજામાં દબાવીને
સરકતાં-
એમ સિફતથી સરકતાં જાય ટોળામાં
મને મૂકી અહીં વિમાસ્તો-
જોયા કરું,
જાને મને ખોયા કરું...

૧૦.૦૩.૨૦૦૨

No comments:

Post a Comment