Saturday, January 9, 2021

ઘોર અવાજોની વચ્ચેથી કોઈ મને ભગાડી દો

ઘોર અવાજોની વચ્ચેથી કોઈ મને ભગાડી દો

એક બાજુ નમી પડતાં
કાદવ છાયી ફૂટપાથના છેડે
અચાનક મારી સાયકલનું વહીલ ઊંડે ગળવા માંડ્યું છે.
આજુબાજુ-
સામેથી ઘોર અવાજો આવી રહ્યા છે,
ઘનઘોર શંખ ફૂંકાઈ રહયા છે
આકાશની વાદળીયા ભૂમિમાં.
ને 
મથી રહ્યો છું હું  પૈડું કાઢવા
વિવશ...લાચાર..
સાહસ મને  યાદ આવે છે
મારાં અંતિમ કૌશલ્યોની પૂર્વે અપાયેલ  શાપ.
અને તત્ક્ષણ 
કંપનું દારુણ મોજું 
મારા મસ્તિષ્કમાં સૂસવાવું શરૂ થાય છે.
હું ભયંકર ચિત્કારી ઊઠું છું:
'રોકાઇ જા પાંડવ,
હું નથી કર્ણ;
યુદ્ધ હવે નથી લડવું મારે...'

12/07/1975
ફરી વળે છે

Saturday, April 4, 2015

બેનીમાનું ગીત

કોઈની કોળે કૂખ
મારે મન સાહ્યબીભર્યું સુખ.

આમ તો વરણ બેયની બેનીમા છું
મારે બેય હાથે બસ વહેંચવો હરખ,
કોઈના બેલી થઈએ અને
હૈયે ઉમંગ લ્હેરવા લાગી જાય અમૂલખ.

આંતરે કૂડાં દુઃખ
ને તોય હસતાં-ગાતાં મુખ.

માંહ્યલો ચોખ્ખોચમ છતાં
હડધૂત થવાનું જાત મૂઈને વેતરી નાખે,
માણસ થઈને માણસ વચ્ચે
શીદને આવી ભેદ હળાહળ સાચવી રાખે?

એકબીજા સન્મુખ
મળે તો મનની ભાગે ભૂખ...

૧.૦૧.૨૦૦૯
૧૨.૧૧.૦૨ દૂરદર્શનના 'કથાસરિતા'માં પ્રસારિત હરીશ માંન્ગલામની 'દાયણ' વાર્તાનું શીર્ષકગીત

પડછાયાને

ખરો છે મારો પડછાયો!!
મારો બેટો
જરીકેય નજર નથી નાખતો મારી સામે
ને
નીરખ્યા કરે છે તોતિંગ ગગનચુમ્બી ઇમારતો ,
એના શણગારેલા દીવાનખંડ ,
સોડમથી મઘમઘતાં કિચન,
ઝાંખા
કામોત્તેજક પ્રકાશમાં
જાતને ઉશ્કેરી મૂકતાં માદક શયનકક્ષ ,
આવું સતત જોઈ જોઇનેય
રતિભાર નથી થાકતી એની આંખો.
એની આંખોમાં
અભાવોએ માળો ઘાલ્યો છે.
રોજ રોજ એ
લથડબથડ સપનાંને કર્યે રાખે છે ઉપરતળે.
ને પછી
રાજીનો રેડ થઇ
મકલાતો ફરે છે દાન માથે કરીને.
ઓ ભઈ,
કઉંસું પાછો વળ,
મારા વીર.
સિમેન્ટ-કાંન્ક્રિટ વચ્ચે
સફાઈદાર કોતરેલી લીલોતરી
અને
આંખોને આંજી દેતાં નિયોન લાઈટનાં અજવાળાં
ખરેખર તો
પરભવની ડાળ પર બેઠેલું
સોનેરી પંખી છે , મારા લાડકુંવર...

૩૧.૦૮.૨૦૦૧ 'હયાતી'દશાબ્દી વિશેષાંક ૨૦૦૭