Saturday, April 4, 2015

પડછાયાને

ખરો છે મારો પડછાયો!!
મારો બેટો
જરીકેય નજર નથી નાખતો મારી સામે
ને
નીરખ્યા કરે છે તોતિંગ ગગનચુમ્બી ઇમારતો ,
એના શણગારેલા દીવાનખંડ ,
સોડમથી મઘમઘતાં કિચન,
ઝાંખા
કામોત્તેજક પ્રકાશમાં
જાતને ઉશ્કેરી મૂકતાં માદક શયનકક્ષ ,
આવું સતત જોઈ જોઇનેય
રતિભાર નથી થાકતી એની આંખો.
એની આંખોમાં
અભાવોએ માળો ઘાલ્યો છે.
રોજ રોજ એ
લથડબથડ સપનાંને કર્યે રાખે છે ઉપરતળે.
ને પછી
રાજીનો રેડ થઇ
મકલાતો ફરે છે દાન માથે કરીને.
ઓ ભઈ,
કઉંસું પાછો વળ,
મારા વીર.
સિમેન્ટ-કાંન્ક્રિટ વચ્ચે
સફાઈદાર કોતરેલી લીલોતરી
અને
આંખોને આંજી દેતાં નિયોન લાઈટનાં અજવાળાં
ખરેખર તો
પરભવની ડાળ પર બેઠેલું
સોનેરી પંખી છે , મારા લાડકુંવર...

૩૧.૦૮.૨૦૦૧ 'હયાતી'દશાબ્દી વિશેષાંક ૨૦૦૭

No comments:

Post a Comment