હવે ચૂપ છે
મિલની વ્હીસલો
ને સન્નાટો ઓઢીને
સૂઈ ગઈ છે
અમદાવાદની જાહોજલાલી.
મોં ખેંગાળી
ખભે બુશશર્ટ નાખી
કાચી ઊંઘ મસળતો
ત્રીજી પાળીનો ડાફિલ કામદાર
મરઘાં-બકરાંથી ભરચક ચાલી વચ્ચેથી
રમઝટ ભગવાને બદલે હવે
ટૂટમૂટ ખાટલીએ પડ્યો
રાતદિવસ
શ્વાસની સિસોટીઓ વગાડે છે.
ગઈ ગુજરી યાદ આવતાં
કાળાપાણીએ રોતી કકળતી એની ઘરવાળીને
નિસાસો નાખવા માટે
આકાશ પણ ઓછું પડે છે !
સગડીમાં વેરાયેલા
બળેલા વ્હેર જેવું નસીબ ઓઢી
ઓસરિયે સૂતાં છે નાગોડિયા છોકરાં,
એમની આંખોમાં
દબદબાપૂર્વક પસાર થઇ રહ્યો છે
બ્યુગલો બજાવતો
આઝાદીની પચાસમી વર્ષગાંઠનો રથ.
ભરભાંખળું થતા
ખભે કોથળો ભેરવી
વીણવા નીકળી પડતી
એમની જુવાન થવા આવેલી છોકરીઓ
કચરાપેટીમાં ફેંદી રહી છે
પોતાનું ભવિષ્ય .
એમના ટેરવે પડ્યા છે
નિરક્ષરતાના ઊંડા વાઢીયા.
કાગળના ડૂચા વીણતાં વીણતાં
ડામરની સડકો પર ઉપર
લોહી દદડતી આંગળીઓ વડે તેઓ લખે છે :
‘અમને અધિકાર આપો....’
(આઝાદીની પચાસમી વર્ષગાંઠને અર્પણ )
No comments:
Post a Comment