Saturday, April 4, 2015

બેનીમાનું ગીત

કોઈની કોળે કૂખ
મારે મન સાહ્યબીભર્યું સુખ.

આમ તો વરણ બેયની બેનીમા છું
મારે બેય હાથે બસ વહેંચવો હરખ,
કોઈના બેલી થઈએ અને
હૈયે ઉમંગ લ્હેરવા લાગી જાય અમૂલખ.

આંતરે કૂડાં દુઃખ
ને તોય હસતાં-ગાતાં મુખ.

માંહ્યલો ચોખ્ખોચમ છતાં
હડધૂત થવાનું જાત મૂઈને વેતરી નાખે,
માણસ થઈને માણસ વચ્ચે
શીદને આવી ભેદ હળાહળ સાચવી રાખે?

એકબીજા સન્મુખ
મળે તો મનની ભાગે ભૂખ...

૧.૦૧.૨૦૦૯
૧૨.૧૧.૦૨ દૂરદર્શનના 'કથાસરિતા'માં પ્રસારિત હરીશ માંન્ગલામની 'દાયણ' વાર્તાનું શીર્ષકગીત

પડછાયાને

ખરો છે મારો પડછાયો!!
મારો બેટો
જરીકેય નજર નથી નાખતો મારી સામે
ને
નીરખ્યા કરે છે તોતિંગ ગગનચુમ્બી ઇમારતો ,
એના શણગારેલા દીવાનખંડ ,
સોડમથી મઘમઘતાં કિચન,
ઝાંખા
કામોત્તેજક પ્રકાશમાં
જાતને ઉશ્કેરી મૂકતાં માદક શયનકક્ષ ,
આવું સતત જોઈ જોઇનેય
રતિભાર નથી થાકતી એની આંખો.
એની આંખોમાં
અભાવોએ માળો ઘાલ્યો છે.
રોજ રોજ એ
લથડબથડ સપનાંને કર્યે રાખે છે ઉપરતળે.
ને પછી
રાજીનો રેડ થઇ
મકલાતો ફરે છે દાન માથે કરીને.
ઓ ભઈ,
કઉંસું પાછો વળ,
મારા વીર.
સિમેન્ટ-કાંન્ક્રિટ વચ્ચે
સફાઈદાર કોતરેલી લીલોતરી
અને
આંખોને આંજી દેતાં નિયોન લાઈટનાં અજવાળાં
ખરેખર તો
પરભવની ડાળ પર બેઠેલું
સોનેરી પંખી છે , મારા લાડકુંવર...

૩૧.૦૮.૨૦૦૧ 'હયાતી'દશાબ્દી વિશેષાંક ૨૦૦૭

અર્થસભર શબ્દો


ઘસરકો



બિરાદરો,
હું તમારો સંવાહક છું .
જુઓ,
ક્યારનો ઊભો રહ્યો છું
અહીં તમારી પડખેહાથમાં
દિવાસળીનાં ટોપચાં જેવી
શબ્દપેટી અધખૂલી લઈને !
આંખમાં આંખ પરોવી
પ્રશ્ન કરું હું તમને?

જન્મારાની કડાઝૂડ આ ખેપ કરિબે
થાક્યાંપાક્યાં શ્વાસનાં પંખી
પોરો ખાવા
લગરીક ઝંપે નાં ઝંપે ત્યાં
રોજ તમારી લવકે છે ને પગની પાની?
ખૂંધી,
બોજ ઊંચકી
સાવ કામઠું બની ગયેલી
પીઠ તમારી ,
રાહ જુએ છે ને ગંધકના
નાના સરખા ઘસરકાની??
તો લંબાવો હાથ.
ઊભો હું સાવ તમારી પડખે
લઈને
શબ્દ પેટી અધખૂલી ...

૭.૦૭.૨૦૦૫
 

ક્રાન્તિ



હથેળીની છાજલી કરી
મેં
મીટ માંડી છે ક્યારનીય
આકાશ તરફ:
ક્યાંથી આવે છે આ ક્રાંતિ?
કૂખમાંથી
ભૂખમાંથી
કે માનવસર્જિત દુઃખમાંથી?
આમ તો
આ બધા જ પ્રાસ
પરસ્પર પૂરક છે
અમારી મનોયંત્રણા માટે.
કૂખ મને દોરી જાય છે
ઉત્પત્તિના ઈતિહાસ ઉકેલવા-
જ્યાંથી મને પ્રાપ્ત થયો છે વર્ણ.
એય હવે
પૂરતા પ્રાણવાયુ વિના
દિનપ્રતિદિન કર્યે જાય છે ક્ષીણ
મારા આદિમ લયને.
એનાં મૂરઝાયેલાં મૂળ
શેકાય છે પેટની
લાલચોળ ભઠ્ઠીમાં.
આ વિષમ વેદનાએ
મનને કરી નાખ્યું છે ખારું ઉસ ...
કૂખ અને ભૂખની લપકતી જ્વાલાઓથી
આજ મને સમજાય છે કે
અગનઝાળ કેમ રાતીચોળ હોય છે?


૧૧.૦૪.૨૦૦૫

સભાનતા







































ખળ ખળ ખળ મારામાં વહેતી સભાનતા.
ધબકારે બેઠા છે ધ્રાસકા,
ને આંખોમાં અપંગ એક શમણું,
કાળો છમ્મ જનમારો વેઠેલી જાત
હવે થાકીને જુએ ઉગમણું,
ઉત્સવની જેમ મને ઉજવી શકાય નહિ
એવું રખેને કોઈ માનતા.

શેઢેથી લીલાછમ્મ આવે સંદેશ
મને માણસ કહેને, સારું લાગે !
અહિયાં તો માણસનું સપનું પણ પથ્થર થઇ
આંખોમાં અણિયાળું વાગે.
છાતીની ખીણ વચ્ચે ફાનસ પેટાવીને
રઝળે છે મૂંગી એક વારતા...