મુઠ્ઠી રાઈ શોધતી
કીશા ગૌતમીની જેમ
હું આથડું છું
સાવ કંતાઈ ગયેલાં
ભૂખડી બારસ જેવા
ગંદાગોબરાં
છેવાડાનાં ઘર .
ઉત્કંઠાથી
ખખડાવું હું
સાંકળ,
ને તરત
કમાડીયાંનાં
કીચૂડાટ સાથે
ધસી આવે છે બહાર
દુખણી જરોજથા
અને
જીવતરના
લોહીઉકાળાનો રુંગારાવ.
ખૂંપી જાય છે એ
જોરુકો
મારા કર્ણરંધ્રમાં,
ઊંડે.
હવે
કાન પાકી ગયા છે,
પગ થાકી ગયા છે;
કૃશ થયેલું શરીર
કંપ્યા કરે છે
એકધારું
ને
મારે હજી
શોધવાનું છે એવું ઘર
જેના પર
માનવ આસુરીનો
તસુ જેટલોય
પડછાયો ના પડ્યો
હોય !!!
૩.૦૧.૨૦૦૦
No comments:
Post a Comment