Saturday, April 4, 2015

કવિતાકામ



સું ધમાધમ કરો છો?
તો કે’
કવિતા કરીય સીય.
...ઓ..હો...
અચંબાથી
અમારી આંશો થાય સ્હેજ પહોળી
બોલી પડઅ :
ખરું કરો સો, તમે તો !
આંય અમનં  કશી આધાબાધા નહી
ન તમે કાંક
હાડોહાડ વાત કરવા વળજ્યાં સો
અમારી  ,
માંણસની!
ચોમેરથી પીસૈન
સેપટ થઇ જિયેલા
દિન-દુખિયારા
રાંક માણસના તમે ખરા વાલેશરી બન્યા સો , કાંક !!
અમારી વાતે દુઃખણા
તમે પોટલો પાણીએ રોઈ પડો  સો
તાણઅ  
તમારાં આંહુડા લૂહવાનું
અમનઅ બૌ મન થઇ આવઅ સ , ભાઈસા’બ
પણ  
તમે રયા કવિ !
કાંક વાતે વચક્લું પાડી બેહો
એટલે
અમે બીયાતા બીયાતા
તમારી ભલઈનાં ગુણગાન ગઈય સીય.
ન તમેય
લગીરે મોટઈ દાખવ્યા વના
હાવ અજાણ્યા થઈન
પાછા હાંમું અચરજ ઉલાળો સો :
...ઈ..મ ..સ?
વડા ન તે કાંય વકાર હોતા અસે?
અદકું માંણસ તે કુનઅ કીધું હોય!
એવુબેવું અમે બોલવામાં જ હોઈંય
નતમે મર્માળું હસી પાડો.
નાકની દાંડીયે ચશ્માં ચડાવતા
અમારી આંશો મ
ઠેઠ ઊંડાણે
તાકી ન તીર મારો;
અમે બોલ્યા ન તમે હાચેહાચ માની લીધું?
અમે હેંડયા ઈ ન પરભારું પરમાંણી લીધું!?
ભલો તમારો ભારુહો,
ધન સ તમારું આચાંન , મારા ભઈ કરું...!
પણ હાચું કઉ?
તમારી ન
અમારી નિસબત તો
આ બે અક્ષર પાડીય સીય, બસ એટલી જ.
બઉ કરીય તો
એ બાંને અમારા જેવા ,
એવાબેવા ભેગા થઇ ન આવા હડમાલા  કૂટી ય , એ...
બાકી હમજો ન,
એ...ય
આંય ટાઢા છાંયે
ગામ છેવાડાનું ઝાડવું ઝંઝેડીય સીય
ગેરવી લઇય સીય
કાલી કાલી કવિતાયો...

૫.૦૯.૨૦૦૩

No comments:

Post a Comment