Saturday, April 4, 2015

હું



આમ તો મારી ભીતર  બે જણ જીવે,
એક
પરંપરાના બોજથી બેવડ વળી
ચૂપચાપ ઘસડાયે જતો;
બીજો
યાતનાની મ્હોંફાડ વચ્ચેય
ક્રુદ્ધ,આક્રમક અને અડગ .
એક
લાચાર વદને
કંપિત શ્વાસ ભરતો,
બીજો
સ્વયં ભડકો બની
ભડકાવતો પ્રત્યેક હલચલને.
એક રૂઢ વિભાવનાઓમાં
જડબેસલાક ,
બીજો ઢંઢોળવા ખુદને
ઉફરી પ્રક્રિયા અજમાવતો...
આમાં એકને
બસ, એકને જીવવું હતું મારે.
આજ મેં
આંખ મીંચી
શ્વાસ ભીંસી
એક નિર્ધારિત સમયનું દ્વાર ખોલ્યું.
ને અરે !
એકદમ ટટ્ટાર ગરદન હું ઊભો
સામે જુઓ!!!


૧૨.૦૧.૧૯૮૪ 

No comments:

Post a Comment