માથે મેલું ઉપાડી
દીવાલે દબાતો
ભગો ગામ
સોંસરવો
ટગુમગુ ચાલ્યો
આવે.
તાકડે જ
‘ચ્યમ ..ભગવાન
દા...’ બોલતું
કોઈક ઝડપથી થઇ
જાય પસાર.
ભગાને મન જાણે
જનોઈવઢ ઝાટકો.
માથે વેગ ચડ્યા
હોય
એમ સઘળું ચક્કર
વક્કર.
‘હાહરું
ભગા સરખું નામ
મેલી ન
આંમ
‘ભગવાન દા ..’
જેવી
લાંબી લચ્ચક કંકાયાની હૂળ
શું કામ ભોંકતા
અસે આ લોક...?’
ભગો હાલકડોલક .
છિન્નભિન્ન ,
વેરવિખેર
ચિત્કારી ઊઠે:
‘મનઅ ભગાથી જીવવા
દો, માવતર,
મારઅ ...’
૨૪.૦૪.૧૯૮૯
No comments:
Post a Comment