Saturday, April 4, 2015

હિજરતી



હિજરતી છું
આગળ પાછળ કેટલા બધાં લાગતાં લટકણ
છતાંયે લાગતું જાને કોઈના  વતી છું.
હસવું- (અરે! એય તે વાર તહેવારના જેવું)
સ્પર્શ થતાં તો લોહીમાં છબ્બાક છાંયડી પડી જાય
બે ઘડી છાંયડી તળે ખળભળે ગુલતાન.
વસવું-(ખરેખર તો કોઈ વસતું નથી
કેમ રે ! સ્હેવું !)
એકબીજામાં પગ ઘાલી ઘૂરકાટ , નર્યો ઘૂરકાટ
મજેથી જાગતો ભીતર એટલું રહ્યું ભાન.
અહીંયાં નથી શેરીઓ, સડક, નામ કે કશાં ઠામ
હું ખરેખર તો સરિયામ પીડા હદબાર   થતી છું...

આમ તો માથાબોળ મજા છે.
ઠીક છે , સાલી જાત હરામી ફટ્ટ ફાટે-
ને સાવ ઉઘાડા પડતાં કોઈ પત્તરું ફાડે
એટલે છાના બખિયા ભરી લઈએ
(કોઈ દેખતું ના હો એમ.)
ઘરખૂણાને- રોજ ભીંજાયા રહેવું- આજીવન સજા છે,
તોય હઠીલા કેટલા બધા કાઢવાના ઘરબ્હાર?
(એ રીતેય લાગીએ કુશળ ક્ષેમ!)
આપને વળી છણકો શાનો! શાનો ભલા રોષ કે અસંતોષ?
હું કેવળ માંડ મારામાં પ્રસરી શકું એટલી હવા આવતી- જતી છું.


૨૭.૧૨.૧૯૮૪

No comments:

Post a Comment