પ્રાર્થના માટે ફફડતા હોઠ કેમ સિવાઈ ગયા છે આજ?
મારે જેની વાત કરવી છે એ શ્રમિકનાં અશ્રુ
કે પરસેવાનું મૂલ્ય
શરીર પરથી વહેતા પાણીના રેલા જેટલું યે હવે નથી રહ્યું
ત્યારે એના રક્તમાં
અશ્રુની લેલૂમ વેલ ખીલે
કે શ્વાસના ચાસે ચાસે
પરસેવાનાં પારિજાત મહેંકી ઊઠે
એથીશું ફેર પડે છે
એની શ્રમિક ચેતનામાં?
આમ એ
કશા આગ્રહ કે અસંતોષ વિનાનો જીવ છે.
સમયના વહેણ સાથે ઠેલાતા રહી
જીવી નાખવું છે એને કાચુંપાકું
કશીય આધાબધા નથી
એટલે તો પોતાને જોઈતી ઉષ્મા માટે
એ તાપ્યા કરે છે ચણોઠીના ઢગને
આગ માનીને.
ક્યારેક નાકે ડૂચો દબાવી
હતપ્રભ એ જોયા કરે છે
પોતાના અસ્તિત્વની
ગંધાઈ ઊઠેલી
સડેલી લાશને-
જેના ઉપર
ચડ-ઉતર કર્યા કરે છે હજી લાલ મંકોડાઓ.
સાચી ઓળખની પીડા
કે ખુદથી અજાણ રહી જવાનો વસવસો
એને નથી સમજાયો પછી થાય શું?
મારી સામે
કેટકેટલાંયે પાનાંઓમાં
ચિપકાઈને પડી છે આવી અનુકંપાઓ.
એટલે જ
કિતાબનું પાનું ફેરવતી વખતે
થતો કરરડ ધ્વનિ
મારી સ્મૃતિમાં ખખડે છે
ને
સીવેલા હોઠ નીચે
પ્રાર્થનાઓ સળવળવા માંડે છે....
No comments:
Post a Comment